GUJARAT

સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન

બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ ના સ્થળ નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એવા જીવણભાઇ પરમારે જણાવ્યું હતું કે IIT ગાંધીનગરn ને આ અંગેની કામગીરી સોંપાઈ હતી. વર્ષ 2017માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું.

IIT ગાંધીનગર દ્વારા એની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ 4 સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો 32 પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.

મંદિરના ટ્રસ્ટી જીવણભાઇ પરમાર દ્વારા વઘુમાં જણાવ્યું હતું કે, આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે. ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલૂમ પડ્યું છે, જેમાં એક માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ સાડાસાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલઆકારનું બાંધકામ હોવાનું જણાયું છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના નિષ્ણાતોએ આશરે 5 કરોડની કિંમતનાં મોટાં મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી સરવે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાત પોતાનો અભિપ્રાય આપે છે. એના પરથી રિપોર્ટ તૈયાર થાય છે.

વઘુમાં જણાવ્યું હતું કે, સ્કંદ પુરાણમાં 1400 વર્ષ પૂર્વે પ્રભાસપાટણની શું સ્થિતિ હતી એ અંગે 8000 શ્લોકમાં માપ સહીત વિગતો આપી છે, ત્યારે જો આ દીશામાં આગળ વઘવામાં આવે અને જો કોઇ યુનિવર્સિટી પ્રોજેકટ રુપે હાથ ઘરે તો પ્રભાસ પાટણનો ભવ્ય ઇતિહાસ સામે આવી શકે છે. જો કે આઇ.આઇ.ટી ના વર્ષ 2017 રીપોર્ટ બાદ આજે ચાર વર્ષ જેવો સમય વીતી ગયો છે પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ બાદ આ રીપોર્ટ અનુ સંઘાને કોઇ કાર્યવાહી હાથ ઘરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.