GUJARAT

દ.ગુજરાત-સૌરાષ્ટ્ર બાદ ઉ. ગુજરાતમાં ‘બારે મેઘ ખાંગા’, અનેક જગ્યાએ આભ ફાટ્યું, જાણો ક્યા કેવો અને કેટલો વરસાદ પડ્યો?

ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્ય 251 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. ઉત્તર ગુજરાતના તમામ 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં 4થી 11 ઇંચ સુધી, 73 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 68 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 88 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

રાષ્ટ્ર-કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ઉંઝા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. આજે સવારથી વરસાદના કારણે ગાંધીચોક, વાડીપરા ચોક, કન્યા છાત્રાલય, વ્યાપાર ભવન, ઐઠોર ચોકડી વિસ્તારો પાણી પાણી થયા છે.

પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર સહિત અનેક તાલુકામાં વરસાદ છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લાના એક રેલવે ગરનાળામાં ટ્રેક્ટર ફસાતા રેસ્ક્યું કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં અવિરત વરસાદના પગલે શહેરમાં સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તાર ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જિલ્લાના રાઘનપુરમાં ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ધરોઈમાં 14722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ધરોઈમાં 58.42% પાણીનો જથ્થો યથાવત છે. ધરોઈ ડેમમાં પાણીના જથ્થામાં એક જ દિવસમાં સાડા સાત ટકાનો વધારો નોંધાયો છે. હાલ ધરોઈ ડેમની સપાટી 609.90 F.T છે. ધરોઈ ડેમની 622 F.T ભયજનક સપાટી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડીયા અને મહેસાણાના કલોલ સહિત અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગરના જોડીયામાં અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોરબીના ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ટંકારામા રવિવારે દિવસ દરમિયાન બે ઈંચ વરસાદ પડયા બાદ રાત્રે બે કલાકમા વધુ સાડા ઈંચ સાથે દસ વાગ્યા સુધીમા સાડા આઠ ઈંચ વરસાદ પડતા નિચાણવાળા અનેક વિસ્તારમા પાણી ઘુસ્યા હતા. તાલુકાના ગામડામા પણ અનરાધાર વરસાદથી ગામડાના નદી, તળાવ, વોંકળામા પાણીની વિપુલ આવકથી લગભગ છલકાઈ ગયા હતા. જેમા, તાલુકાના મેઘપર, વાઘગઢ સહિતના ગામડામા જવા માટે નાનાખીજડીયા ગામથી આગળ નદીના બેઠાપુલ ઉપર પાણી આવી જતા ગામડાના અનેક લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. ઉપરવાસના વરસાદથી તાલુકાના ત્રણેય ડેમ ઓવરફલો થયા હતા. જેમા, ડેમી-2 અને બંગાવડી ડેમના પાટીયા ખોલાયા હતા.

વરસાદી આંકડાની વાત કરીએ તો, સુરતના ઉમરપાડા અને મોરબી જિલ્લાના મોરબી શહેરમાં 10 ઈંચથી વધુ વરસાદ, મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતી અને કચ્છના અંજારમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકા એવા છે જ્યાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 53 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્રમાં 50થી વધુ ડેમ છલકાયા, 70થી વધુમાં ધસમસતો વરસાદી પ્રવાહ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા સોળે કળાએ ખીલી વરસતા 50 થી વધુ ડેમ છલકાયા હતા અને 70થી વધુ ડેમમાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. સુરેન્દ્રનગરનો ફ્લકુ અને જૂનાગઢનો ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો થયો હતો.

રાજકોટ જિલ્લામાં ભાદર, ફેફ્ળ, આજી -1, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ફડદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી -1 અને 2, ભાદર -2 એમ 15 ડેમ ઓવરફ્લો થયા બાદ પણ વરસાદી પાણીની આવક ચાલુ છે. જ્યારે 10 ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. મોરબીના મચ્છુ – 1, 2, બંગાવડી, બ્રાહ્મણી – 1, ઘોડાધ્રોઈ ડેમમાં નવા નીર આવ્યા હતા. જામનગરના ઉંડ – 2 ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમના 2 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા. માળીયા હાટીનાનો વૃજમી ડેમ 94 મીટરની ભયજનક સપાટી વટાવી જતા ડેમના 7 દરવાજા અડધો ફૂટ ખોલી નખાયા હતા. ઉપલેટાના મોજ ડેમના 3 પાટીયા 2 ફૂટ અને વેણું – 2 ડેમના 5 પાટીયા 3 ફૂટ ખોલાયા. ભાવનગરના 6 ડેમ, બોટાદના 5, જૂનાગઢમાં 13, ગીર સોમનાથના 5 અને પોરબંદરના 7 ડેમમાં વરસાદનોઅવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખાંભાની ઘાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના કારણે રાયડી ડેમના 2 દરવાજા ખોલાયા છે. ખાંભાના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ખડાધાર, મોટા બારમણ, ડેડાણ, નાનુડી, ભાડ સહિતના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના રાયડી ડેમના બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. અવિરત વરસાદ ખેતીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. હવે જગતનો તાત અતિ વરસાદથી ચિંતિત બન્યો છે.

રાજકોટના મોતીસર ડેમમાં ભારેથી અતિભારે વરસાદથી સારી એવી પાણીની આવક થઈ રહી છે. મોતીસર ડેમના 14 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. પાટિયાળી, હડમતાળા, કોલીથડ ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટીસર ડેમની કુલ 22 ફૂટની સપાટી છે. મોતીસર ડેમના 14 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી હાલ સ્થિતિ થોડી વણસેલી દેખાઈ રહી છે. રાજકોટના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલના માંડવી ચોક, કોલેજ ચોકમાં વરસાદી પાણી ભરાયા છે. આ સિવાય કૈલાસબાગ અને ભવનાથમાં પણ પાણી ભરાયા છે. લોધિકા પાસે ન્યારી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઢોલરા ગામે ખેતરોમાં પાણી ભરાયા છે. ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારમે ભાદર 2 ડેમના 12 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

રાજકોટ જીલ્લાના ઉપરવાસમાં વરસાદ પડતાં કારણે ધોરાજીનો ભાદર બે ડેમ ઓવરફલો થયો છે. ધોરાજીનાં ભાદર 2 ડેમમા ઉપરવાસનુ પાણી પ્રવાહ વધતાં ધોરાજીનાં ભાદર બે ડેમ 22 દરવાજામાંથી 12 દરવાજા પાંચ પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હજુ પણ વધું ભાદર બે ડેમનાં વધું દરવાજા ખોલવાની શક્યતા દેખાઈ રહી છે.

જૂનાગઢના કેશોદમાં આવેલી ઓઝત નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. ઓઝત ડેમના દરવાજા ખોલતા પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નદીનો પાળો તૂટતા ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બામણાસા, મુળિયાસા, મઢડા ગામો ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published.