Business

સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને નબળા વર્ગને હવે સરળતાથી બેન્ક લોન મળી શકશે

। મુંબઈ ।

બેન્કો દ્વારા જરૂરિયાતમંદોને ધિરાણ વધારવા માટે આરબીઆઈ દ્વારા પ્રાયોરિટી સેક્ટરને ધિરાણની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો તેમજ નબળા વર્ગનાં લોકો બેન્કો પાસેથી સરળતાથી ધિરાણ મેળવી શકશે. ખેડૂતોને સોલર પાવર સિસ્ટમ માટે તેમજ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ નાખવા બેન્કો દ્વારા લોન અપાશે. ધિરાણ માટે કેટલીક નવી કેટેગરીનાં લોકોનો ગાઈડલાઈન્સમાં સમાવેશ કરાયો છે. ખાસ કરીને નાના તેમજ સિમાંત ખેડૂતો તેમજ સમાજનાં નબળા વર્ગનાં લોકો હવે આસાનીથી બેન્ક લોન મેળવી શકશે. જે વિસ્તારોમાં ધિરાણનું પ્રમાણ ઓછું છે ત્યાં ધિરાણ વધારવા આ પગલું લેવાયું છે.

રૂ. ૫૦ કરોડ સુધીનાં સ્ટાર્ટઅપ્સને સરળ લોન

નવી ગાઈડલાઈન્સ મુજબ રૂ. ૫૦ કરોડ સુધીનાં સ્ટાર્ટઅપ્સને સરળતાથી લોન અપાશે. રિન્યુએબલ એનર્જી તેમજ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ આનાથી આસાનીથી લોન મળી શકશે. જે જિલ્લાઓમાં પ્રાયોરિટી સેક્ટરને ધિરાણનું પ્રમાણ ઓછું છે ત્યાં લોનનું પ્રમાણ વધારવામાં આવશે. ખાસ કરીને નાના અને સિમાંત ખેડૂત તેમજ નબળા વર્ગનાં લોકોને વધુ ધિરાણ અપાશે.

ખેતીવાડી ઉત્પાદન સંગઠનો માટે ધિરાણ મર્યાદા વધારવામાં આવી

આરબીઆઈ દ્વારા ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન (FPO) તેમજ ફાર્મર્સ પ્રોડયુસર્સ કંપનીઓ (FPC) માટે મહત્તમ ધિરાણ મર્યાદા વધારવામાં આવી છે. અગાઉથી નક્કી કરવામાં આવેલા ભાવથી ખેત પેદાશોનું નિશ્ચિત વેચાણ કરી શકે તે માટે તેમને વધુ લોન સુવિધા અપાશે.

પૂનઃ પ્રાપ્ય ઉર્જા અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે લોનની રકમ બમણી કરાઈ

રિન્યુએબલ ઉર્જા માટે તેમજ હેલ્થ ઈન્ર્ટ્રકચર માટે લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે. જેમાં આયુષ્યમાન ભારત હેઠળની સેવાનો સમાવેશ કરાયો છે. સર્વાગી વિકાસ માટે આ પગલું લેવાયું છે.

કેટલીક કેટેગરી પ્રાયોરિટી લેન્ડિંગમાં ઉમેરાઈ

આરબીઆઈ દ્વારા બેન્કો માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે કેટલીક નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. જેમાં કૃષિ અને તેને આનુસાંગિક પ્રવૃતિ, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈસિસ, ગરીબોને મકાન ખરીદવા તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લોન અપાશે. ઓછી આવક ધરાવતા ગ્રુપને પણ પ્રાયોરિટી સેક્ટરમાં ગણાશે.

Leave a Reply

Your email address will not be published.