સરકાર અને ખાનગી સ્કૂલોમાં સંચાલકોની મીલિભગતથી સતત શોષણનો ભોગ બનેલા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. ગુરુ પૂર્ણિમા અને 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન એમ બે દિવસ સન્માન કર્યા બાદ આખું વર્ષ શિક્ષકોનું શોષણ કરવામાં આવતું હોવાનો ખાનગી સ્કૂલોના શિક્ષકોએ આક્ષેપ કર્યો છે. રોષે ભરાયેલા ખાનગી સ્કૂલોના શિક્ષકો શનિવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને કાળા કપડા અને કાળુ માસ્ક પહેરીના આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવશે.
ગુજરાત રાજ્ય માન્ય ખાનગી પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્યના હજારો ખાનગી સ્કૂલોના શિક્ષકોને સંચાલકો દ્વારા નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમજ મોટાભાગના શિક્ષકોના પગારમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ આંખ આડા કાન કરતી આ રાજ્ય સરકાર દ્વારા સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી મેળાઓમાં ભીડ ભેગી કરવાની હોય કે તેમાં ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ જોતરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ખાનગી સ્કૂલ સંચાલકો શિક્ષકો કર્મચારીઓને પૂરતું વેતન પણ ચૂકવતા ન હોવા છતાં વિદ્યાર્થીઓની ફીમાં કોઈ જ સમાધાન કરવા તૈયાર નથી. સંચાલકોની આ તુખામી સામે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા અને આવડત હોવા છતાં જાણે નિ:સહાય બની હોય તેમ હાઈકોર્ટ પાસે દોડી ગઈ છે.
શિક્ષકોના પગાર સરકાર પાસે જમા કરાવવા માંગ
ખાનગી સ્કૂલોના સંચાલકો ફી વસુલવા માટે સરકાર સમક્ષ શિક્ષકોના પગારનો મુદ્દો રજૂ કરે છે, ત્યારે સિક્ષકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, ખાનગી સ્કૂલોના શિક્ષકોનો સંચાલકો દ્વારા જે પગાર ચૂકવવામાં આવે છે તે સરકારને ચૂકવાય. બાદમાં સરકાર દ્વારા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે. જેના માટે તમામ ખાનગી સ્કૂલોની એક ફાઈલ તૈયાર કરવામાં આવે. જેમાં શિક્ષકોના નામ અને પગારની રકમ દર્શાવેલી હોય. આ યાદી રાજ્ય સરકાર પોતાના હસ્તક રાખે. આમ કરવાથી સંચાલકો દ્વારા કાગળ પર જે ઉંચા પગાર દર્શાવવામાં આવે છે તેનો ભાંડો ફૂટશે અને શિક્ષકોનું શોષણ પણ અટકશે.
શિક્ષકોની ચેકબુક ATM સંચાલકો પાસે જપ્ત
મહામંડળના પ્રમુખે આક્ષેપ કરતાં કહ્યું છે કે, ખાનગી સ્કૂલોના સંચાલકો શિક્ષકોની ચેકબુક અને એટીએમ તેમની પાસે રાખે છે. જેથી બેંકમાં શિક્ષકોના ખાતામાં જે પગાર નાંખવામાં આવે છે તે ખુદ સંચાલકોના માણસો ઉપાડી આવે છે. બાદમાં કાપ મૂકીને શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે છે.
Home Gujarat શિક્ષકદિને ગુજરાતભરની ખાનગી સ્કૂલોના શિક્ષકો ‘કાળો દિવસ’ તરીકે ઉજવશે, કાળા કપડાં અને...