બુધવારે CAGએ રેલવેની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલ એક રિપોર્ટ સંસદમાં રજૂ કરી હતી. જેમાં CAGએ રેલવેની આર્થિક દશા પર ચિંતા વ્યક્ત કરી છે. CAGએ કહ્યું કે, રેલવે પોતાની આર્થિક સ્થિતિને સારી દેખાડવા માટે ભવિષ્યની કમાણીને પોતાના ખાતામાં જોડીને દેખાડી રહી છે. સાથે જ સંસદમાં રજૂ કરેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલવેએ વર્ષ 2018-19માં ઓપરેટિંગ રેશિયો 97.27 દેખાડ્યો છે, જ્યારે લક્ષ્ય ઓપરેટિંગ રેશિયો 92.8 રાખ્યો હતો.
રેલવેએ આંકડાની માયાજાળ કરતાં NTPC અને CONCORથી ભવિષ્યમાં મળનાર 8351 કરોડ રૂપિયાના માલ ભાડાને પણ પોતાના ખાતામાં દર્શાવી દીધા હતા. અને આ રીતે રેલવેએ પોતાની કમાણી વધારે દેખાડી હતી. એટલું જ નહીં કમાણીના આંકડાઓને ખોટી રીતે રજૂ કરીને રેલવેએ પોતાનો નફો 3773.86 કરોડ દેખાડ્યો હતો. જ્યારે હકીકતમાં આ વિત્ત વર્ષમાં તેનો ગ્રોથ નેગેટિવ છે. CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, રેલવેએ જો સાચા આંકડા દર્શાવ્યા હોત તો તેને લગભગ 7335 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જો આમ ખોટા આંકડા રજૂ કરવામાં ન આવતાં તો વર્ષ 2018 માટે રેલવેનો ઓપરેટિંગ રેશિયો 101.77 રહેતો, એટલે કે રેલવેએ 100 રૂપિયા કમાવવા માટે 102 રૂપિયાનો ખર્ચ કર્યો. ઓપરેટિંગ રેશિયોના આધારે જ રેલવેની આર્થિક દશા સમજી શકાય છે. ગત ડિસેમ્બરમાં પણ કૈગે રજૂ કરેલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષનો સૌથી ખરાબ ઓપરેટિંગ રેશિયો 98.44 છે.
CAGએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે, રેલવેએ 2015-16માં LIC પાસેથી 5 વર્ષમાં 1.5 લાખ કરોડની લોન લેવાનો કરાર કર્યો હતો. આ રકમ 2015-2020ની વચ્ચે મળવાની હતી. પણ રેલવે 2015-2019 સુધીમાં ફક્ત 16,200 કરોડ રૂપિયા જ લઈ શક્યું હતું.