મેઘમણિ ગ્રુપના સ્.ડ્ઢ. અને GCCIના પ્રમુખ નટુભાઈ પટેલના સગા ભત્રીજા મૌલિક જયંતિ પટેલ અને રૂચિત સૂર્યકાંત જાનીની માલિકની વટવામાં આવેલી માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારે મોડી રાત્રે વિનાશક આગ દુર્ઘટના સર્જાઈ હતી.
માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં મેઘમણિ ગ્રુપના અન્ય સગાંઓ સાયલન્ટ પાર્ટનર હોવાનું જાણવા મળે છે. માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ સાથે ફાટી નીકળેલી વિનાશક આગની ઘટનાને પગલે શહેરીજનો ઈન્ડસ્ટ્રીયલ જ્વાળામુખી પર જીવી રહ્યા છે ? તેવો પ્રશ્ન સર્જાયો છે.
પીપળજમાં સાહિલ એન્ટરપ્રાઈઝમાં ગત મહિને વિનાશક આગ ૧૨ લોકોને ભરખી ગઈ હતી. પરંતુ અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટો, હોટલ, હોસ્પિટલોમાં છાશવારે સર્જાતી આગની દુર્ઘટનાઓેને પગલે શહેરીજનો કેમિકલ વિસ્ફોટકોના ઢગલા પર જીવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શહેરની વટવા, નારોલ, નરોડા GIDCમાં ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવો ઘાટ જોવા મળે છે. ઔદ્યોગિક એકમોમાં છાશવારે આગ દુર્ઘટનાઓના કાયમી ઉકેલ લાવવા માટે GCCI, GPCB, મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા અગમ્ય કારણોસર નક્કર પગલાં લેવાતા નથી.
મેઘમણિ ગ્રુપની પાર્ટનરશિપ ધરાવતી LLP કંપની માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ફીટ કરાયા હતા કે કેમ અને યુનિટ માટે GPCB સહિત આવશ્યક પરમીશન મેળવી હતી કે કેમ ? તેવો પ્રશ્ન સર્જાયો છે. મેઘમણિ ગ્રુપના M.D. અને GCCIના પ્રમુખ અને સરકારના પીઠ્ઠુ નટુ પટેલના સગાંની આ કંપનીમાં જ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય તો તેઓ ગુજરાત રાજ્યની અન્ય કંપનીઓ અને ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાં શું ધ્યાન આપી શકવાના ?
માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વટવામાં વિનાઈલ સલ્ફર (VS) અને ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન કરતી માતંગી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ નવા યુનિટનું તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ઓપનિંગ કરાયું હતું. આ યુનિટમાં મોટા પ્રમાણમાં સોલવન્ટ અને કેસ્ટર ઓઈલનો જથ્થો રખાયો હતો.
સોલવન્ટના ડ્રમ વિસ્ફોટ સાથે ફાટતાં રસ્તા પર સોલવન્ટ ઢોળાને કારણે તેમજ ફાયર બ્રિગેડ દ્વારા આગ બૂઝાવવા માટે પાણીનો મારો કરાયો હતો તેમાં પણ સોલવન્ટ ભળી જવાથી રસ્તા પર ફેલાઈ જવાને કારણે આગ મોટા પાયે પ્રસરી ગઈ હોવાનું જાણવા મળે છે.
૧૦૦ ટનથી વધુ કેમિકલનો જથ્થો ભરેલા યુનિટનું ઉદ્ઘાટન થાય એ પહેલાં જ આગ
ચાર દિવસ પહેલા માંતગી કંપની શરૂ કરવાનુ આયોજન કર્યુ હતુ. તેના કારણે તમામ પ્રકારનો કેમિકલનો જથ્થો કંપનીમાં લાવી દેવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાને કારણે કંપની શરૂ કરવાનો નિર્ણય બંધ રાખ્યો હતો. તેના કારણે ૧૦૦ ટનથી વધુ કેમિકલનો જથ્થો કંપનીના ગોડાઉનમાં હાજર હતો.
માતંગી ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો કોણ ?
મેઘમણિ ગ્રુપના મૌલિક જયંતિ પટેલ અને રૂચિત સૂર્યકાંત જાની ઉપરાંત મેઘમણિ ગ્રુપના એમ. ડી. અને GCCIના પ્રમુખ નટુભાઈ પટેલના પુત્ર અંકિત નટુભાઈ પટેલ, GDMAના પ્રમુખ રમેશ પટેલનો પુત્ર કરણ રમેશ પટેલ, આનંદ ઈશ્વર પટેલ તથા કૌશલ આશિષ સોપારકરનો સમાવેશ થાય છે.
આ જ પ્રમોટરો રાજ્યમાં અંકલેશ્વર, વાપી, દહેજ વગેરે સ્થળે પણ ફેક્ટરીઓ ધરાવે છે ત્યાં પણ ભૂતકાળમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ હોવાને પગલે આ યનિટોમાં પણ આ પ્રકારે પોલંપોલ છે કે શું ? તેવો પ્રશ્ન સર્જાયો છે.