બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને ઘણો સમય થઈ ગયો છે. જો કે આજે પણ મોતનું રહસ્ય અકબંધ છે. સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા થઈ છે તે હજુ જાણી શકાયું નથી. દેશની ત્રણ મોટી એજન્સીઓ સત્ય જાણવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ સુશાંતની કહાનીના આધાર ઉપર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
સુશાંતસિંહ રાજપૂતનું પાત્ર અભિનેતા જુબૈરખાન ભજવશે
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસથી પ્રેરિત આ ફિલ્મને સરલા સારાગોઈ અને રાહુલ શર્મા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી દિલીપ ગુલાટી સંભાળશે અને આ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂતનું પાત્ર અભિનેતા જુબૈરખાન ભજવશે. ફિલ્મમાં રિયા ચક્રવર્તીનું પાત્ર શ્રેયા શુક્લા નિભાવશે. શ્રેયા આ પહેલા એક વેબ સિરીઝમાં કામ કરતી નજરે પડી હતી. ફિલ્મમાં દિશા સાલિયાનના પાત્ર માટે બિગ બોસ ફેમ અભિનેત્રી સોમી ખાનની પસંદગી કરવામાં આવી છે. દિશાનું પાત્ર ફિલ્મમાં લાવવાથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ કહાનીમાં સુશાંતના મોત કેસને દિશા સાલિયાનના મોતનું રહસ્ય સાથે પણ જોડવાના પ્રયત્નો કરવામાં આવે.
શક્તિ કપૂર એક સીબીઆઈ ઓફિસરના પાત્રમાં જોવા મળશે
ફિલ્મમાં શક્તિ કપૂર એક સીબીઆઈ ઓફિસરના પાત્રમાં જોવા મળશે. જ્યાં સુધી ફિલ્મના બાકી પાત્રો વાત કરીએ તો અરૂણ બક્શી સુશાંતના પિતાની ભૂમિકા નિભાવશે અને અમન વર્મા એક ઈડી ઓફિસરની ભૂમિકામાં રહેશે. તો સાથે અભિનેતા અસરાની અને સુધા ચંદ્રન પણ આ ફિલ્મમાં ખાસ પાત્ર નિભાવતા નજરે પડશે. ફિલ્મની કાસ્ટ અ ક્રૂ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ ક્યારે ગ્રાઉન્ડ પર આવે છે.