ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે વહેલી સવારે હિમાંશુ પંડ્યાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, હિમાંશુ પંડ્યાનું લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે સવારે હૃદયરોગનો હુમલો થતાં ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર બંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. જેથી કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો છે. જ્યારે હાર્દિક 12.30ની ફ્લાઈટમાં મુંબઈથી આવશે.
અત્રે નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાના પિતાની આર્થિક સ્થિતિ સારી નહતી, કેટલીક વખત હાર્દિક અને તેના ભાઇ કૃણાલને દિવસમાં એક વખત જ ભોજન મળી શકતુ હતું. તેમના પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે નોકરી પણ કરવી મુશ્કેલ હતી. હિમાંશુ પંડ્યા ક્રિકેટના મોટા પ્રશંસક હતા, તે હાર્દિક અને કૃણાલને સાથે મેચ દેખાડતા હતા અને કેટલીક વખત મેચ માટે સ્ટેડિયમમાં પણ લઇ જતા હતા. અહીથી બન્ને ભાઇઓનો ક્રિકેટમાં રસ જાગ્યો અને 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલે ક્રિકેટ એકેડમી જોઇન કરી હતી. દીકરાની રમત પ્રત્યેની લગન જોઇ તેના પિતા વડોદરાથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા.