વૈશ્વિક બિમારી કોરોના વાયરસે હાલ તો નવું સ્વરૂપ બદલીને દુનિયામાં ડરનો માહોલ બનાવી દીધો છે. ત્યારે ગુજરાત ના દાહોદ માં કોરોના રી-ઈન્ફેક્શન નો પ્રથમ કેસ નોંધાયો છે. કોરોના દર્દીને અગાઉ 9 મહિના પહેલા કોરોના પોઝિટીવ થયા હતા, ત્યારે તેજ વ્યક્તિ ફરી રિ-ઈન્ફેક્શન થતાં જિલ્લાના પ્રથમ રિ- ઈન્ફેક્ટેડ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. લીમડીના આરોગ્ય કર્મીને ફરીથી કોરોના થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. અગાઉ એપ્રિલમાં આજ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત મંગળવારે તાલુકા પંચાયત વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને માસ્ક વિના ખુલ્લા મોઢે ફરતા લોકોને પકડીને ફરજ ઉપર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. માસ્ક વિના ઝડપાયેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. બાદમાં તેને સત્વરે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તો બાકીના 24 જણાના લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.
આ વ્યક્તિની ઈતિહાસ જોતા ચારેબાજુ ચર્ચા જાગી હતી. અગાઉ આ વ્યક્તિને કોરોના થયો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ દાહોદમાં કોરોના રી-ઈન્ફેકટેડ થયો હોવાનો પ્રથમ કેસ સામે આવ્યો હોવાની વાત સામે આવી હતી. આ વ્યક્તિ એપ્રિલ મહીનામાં પોઝીટીવ આવ્યા બાદ 9 માસ પછી પુનઃ સંક્રમિત થયો છે. લીમડીના આરોગ્ય કર્મી પુનઃ પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં મંગળવારે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 218 સેમ્પલો પૈકી 14 અને રેપીડના 630 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ કેસોમાં દાહોદ શહેરના 11, દાહોદ ગ્રામ્યના અને દેવગઢ બારીયા અર્બનના 2 -2 અને લીમખેડાતથા સીંગવડના 1-1 કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું.