India

સરકારે ખેડૂત સંગઠનોને અપીલ કરી હતી કે તેઓ કાયદા નાબૂદ કરવાના બદલે બીજો કોઇ વિકલ્પ રજૂ કરે.

ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર પોતાની જિદ પર અડગ રહેતાં ૩ કેન્દ્રીય કૃષ કાયદાના મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેનું કોકડું શુક્રવારે આઠમા રાઉન્ડની બેઠક બાદ પણ વણઉકલ્યું રહ્યું હતું. કેન્દ્ર સરકારેે ખેડૂત સંગઠનોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦માં સંસદ દ્વારા પસાર કરાયેલા ૩ કૃષિ કાયદાને કોઇપણ સંજોગોમાં નાબૂદ કરાશે નહીં. સરકાર કૃષિ કાયદા નાબૂદ કરી શકતી નથી કે કરશે પણ નહીં. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંત્રણા બાદ જણાવ્યું હતું કે, કૃષિ કાયદા પર કોઇ નિર્ણય લઇ શકાયો નથી. સરકારે ખેડૂત સંગઠનોને અપીલ કરી હતી કે તેઓ કાયદા નાબૂદ કરવાના બદલે બીજો કોઇ વિકલ્પ રજૂ કરે. પરંતુ ખેડૂત નેતાઓ કોઇ વિકલ્પ રજૂ કરી શક્યા નહોતા તેથી મંત્રણા આટોપાઇ ગઇ હતી.

કેન્દ્રીયમંત્રીઓએ ખેડૂતોને જણાવ્યું હતું કે, કૃષિ કાયદા ફક્ત પંજાબ અને હરિયાણા માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે. બીજીતરફ ખેડૂત નેતાઓએ પણ તેમનું વલણ આકરું બનાવ્યું હતું. એક ખેડૂત નેતાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કાયદા વાપસી થશે તો જ અમારી ઘર વાપસી થશે. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ રાજ્ય સરકારોનો મામલો છે તેથી કેન્દ્ર સરકારે કૃષિ બાબતોમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. એવું લાગી રહ્યું છે કે સરકાર આ મામલાનો ઉકેલ લાવવા માગતી નથી. જો એમ જ હોય તો સ્પષ્ટ કહી દો અમે અહીંથી જતા રહીશું. સરકાર કાયદા રદ કરવા માગતી નથી. અમને નથી લાગતું કે મંત્રણાનું કોઇ પરિણામ આવશે. ખોટી મંત્રણામાં સમય શા માટે બરબાદ કરો છો? આમ સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમા રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ રહેતાં હવે ૧૫ જાન્યુઆરીના રોજ નવમા રાઉન્ડની બેઠક યોજાશે.

કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટને નિર્ણય કરવા દો : સરકાર

કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને શુક્રવારે આઠમા રાઉન્ડની બેઠકમાં વિવાદના ઉકેલ માટે એક કમિટીની રચના કરવાનો ફરી એકવાર પ્રસ્તાવ આપ્યો હતો. તે ઉપરાંત સરકારે ખેડૂતોને એમ પણ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાનો મામલો સુપ્રીમ કોર્ટને સોંપી દઇએ. સુપ્રીમ કોર્ટને જ કાયદાઓ પર નિર્ણય લેવા દો. આ માટે સુપ્રીમ કોર્ટમાં દરરોજના ધોરણે સુનાવણીની વ્યવસ્થા ગોઠવી શકાય.

અમે કોઈ અદાલતમાં જવા માગતા નથી : ખેડૂત નેતાઓ

ઓલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી ખેડૂત નેતા હન્નાન મોલ્લાહે જણાવ્યું હતું કે, અમે સરકાર સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે કે અમને કાયદાની નાબૂદી સિવાય બીજું કશું ખપતું નથી. અમે કોઇ અદાલતમાં જવાના નથી. ક્યાં તો સરકાર કાયદા નાબૂદ કરે અથવા તો અમારું આંદોલન જારી રહેશે. ૨૬ જાન્યુઆરીએ યોજના પ્રમાણે ખેડૂત પરેડ યોજાશે.

કાયદાની દરેક જોગવાઈ પર ચર્ચા નથી કરવી : રાકેશ ટિકૈત

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે,કૃષિ કાયદા નાબૂદ નહીં કરાય ત્યાં સુધી ખેડૂતો ઝૂકવાના નથી. અમે ૧૫મી જાન્યુઆરીએ પણ પાછા મંત્રણા માટે આવીશું. અમે ક્યાંય જવાના નથી. સરકાર કાયદામાં સુધારાની વાતો કરી રહી છે પરંતુ અમે કાયદાની એક-એક જોગવાઇ પર ચર્ચા કરવા માગતા નથી.

Leave a Reply

Your email address will not be published.