Home India સરકાર દ્વારા રસીકરણ માટે બ્લોક લેવલ સુધી રસીકરણ અંગે તાલિમ આપી દેવાઈ...

સરકાર દ્વારા રસીકરણ માટે બ્લોક લેવલ સુધી રસીકરણ અંગે તાલિમ આપી દેવાઈ છે અને સમગ્ર માળખું તૈયાર કરવામાં આવ્યું.

2
0

કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ મહિને રસીકરણનો પ્રારંભ કરાવવાના સંકેતો વચ્ચે આગામી અઠવાડિયે બે દિવસ માટે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રસીકરણની ડ્રાય રન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૨૮ અને ૨૯ ડિસેમ્બરે બે દિવસ માટે ગુજરાત, પંજાબ, આંધ્ર પ્રદેશ અને અસમમાં રસીકરણની સમગ્ર ડ્રાઈવની ટ્રાયલ યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા રસીકરણ માટે બ્લોક લેવલ સુધી રસીકરણ અંગે તાલિમ આપી દેવાઈ છે અને સમગ્ર માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ માળખાની ચકાસણી માટે જ ડ્રાય રન યોજવામાં આવશે. ચારેય રાજ્યોના બે જિલ્લાની પસંદગી કરવામાં આવી છે અને તેમાં પણ પાંચ જગ્યાઓ નક્કી કરાઈ છે જ્યાં આ ડ્રાય રન યોજાશે. સ્ટોરેજ કેપેસિટી, ટ્રાન્સપોર્ટેશન, રસીકરણની પ્રક્રિયા અને સમગ્ર માળખાની ચકાસણી કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નેશનલ લેવલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ પ્રોગ્રામ હેઠળ દેશમાંથી ૨,૩૬૦ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમને તમામ તાલિમ આપવામાં આવી હતી. તેમના માધ્યમથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭,૦૦૦ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. મંત્રાલયની ગાઈડલાઈન્સ પ્રમાણે આ તમામ લોકોન ટીમ દ્વારા દેશના ૬૮૧ જિલ્લામાં ૪૯,૬૦૪ લોકોને મેડિકલ ઓફિસર તરીકેની તાલિમ આપી દેવાઈ છે. ૧૭,૮૩૧ બ્લોકમાંથી ૧,૩૯૯માં વેક્સિનેશન ટીમની ટ્રેનિંગ પૂરી કરી દેવાઈ છે. લક્ષદ્વિપમાં આ તાલિમ બાકી છે જે હવે પૂરી કરવામાં આવશે. બીજી તરફ રસીકરણ અને કો-વિન પોર્ટલ સાથે સંકળાયેલા સવાલો અને મુશ્કેલીઓના ઉકેલ માટે ૧૦૭૫ અને ૧૦૪ હેલ્પલાઈનને પણ વધારે મજબૂત અને સક્રિય કરવામાં આવી છે.
ગ્રાઉન્ડ લેવલનો અનુભવ ચકાસવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચારેય રાજ્યોના આઠ જિલ્લાઓમાં પાંચ-પાંચ સ્થળો પસંદ કરીને ત્યાં ડ્રાય રન યોજાશે. ગુજરાતમાંથી ગાંધીનગર અને રાજકોટ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, પ્રાઈવેટ હોસ્પિટલ તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની કેટલીક હોસ્પિટલને સાંકળવામાં આવશે. રસી લાવવથી લઈને આપવા સુધીની તમામ પ્રોસેસને લાસ્ટ પોઈન્ટ સુધી ચકાસવામાં આવશે. આ દરમિયાન કોલ્ડ સ્ટોરેજનું મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ક્રાઉડ કન્ટ્રોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોની પણ મોક ડ્રિલ કરવામાં આવશે. તે ઉપરાંત કો-વિન પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે, તેનું પ્લાનિંગ, રિર્પોિંટગ, ડેટા એન્ટ્રી, રિયલ ટાઈમ ડેટા મિકેનિઝમ વગેરે વચ્ચે કો-ઓર્ડિનેશન જેવી બાબત અને આવતા પડકારોનું પણ મોનિટરિંગ કરવામાં આવશે.
ચોક્કસ ટ્રેનિંગ મોડયૂલ ડેવલપ કરવામાં આવ્યું હતું
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા એ તમામ લોકોને ટ્રેનિંગ આપી દેવાઈ છે જે લોકો રસીકરણનું સમગ્ર મેનેજમેન્ટ સંભાળશે. આ દરમિયાન કો-વિન આઈટી પ્લેટફોર્મના ઉપયોગ, કોલ્ડ ચેનની તૈયારી, કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તથા ઈન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ સહિતની તાલિમ આપવામાં આવી છે. તેના માટે વેક્સિન હેન્ડલર અને એડમિનિસ્ટ્રેટરની કેટેગરી બનાવીને સમગ્ર ટ્રેનિંગ મોડયૂલ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ મોડયૂલમાં મેડિકલ ઓફિસર, વેક્સિનેટર, ઓલ્ટરનેટિવ વેક્સિનેટર, કોલ્ડ ચેન હેન્ડલર, સુપરવાઈઝર, ડેટા મેનેજર, આશા કોઓર્ડિનેટર સહિતના તમામ લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડ્રાય દરમિયાન કોઈને રસી આપવામાં આવશે નહીં માત્ર પહેલા સ્તરથી સામાન્ય નાગરિક સુધીના માળખાની યોજના ચકાસવામાં આવશે.
રસીકરણ અંગે જાણવા જેવું
૨૯,૦૦૦ કોલ્ડ ચેન પોઈન્ટ તૈયાર
૨૪૦ વેક ઈન કૂલર તૈયાર કરાયા
૭૦ વોક ઈન ફ્રીઝર સજ્જ
૪૫,૦૦૦ આઈસ લાઈન્ડ ફ્રીજ
૪૧,૦૦૦ ડીપ ફ્રીઝર
૩૦૦ સોલાર રેફ્રિજરેટર

Previous articleસ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા કરોડથી વધુ રકમની ખોટી રીતે ITC મેળવવાના કૌભાંડનો પર્દાફાશ.
Next articleદિલ્હી સરહદે કેટલાક ખેડૂતો આંદોલનકારીઓને પોલીસ સાથે ઘર્ષણ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here