International

બ્રિટનમાં લોકડાઉનના અંત પહેલાં દોઢ કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની સરકારની યોજના.

બ્રિટનમાં ઉદ્દભવેલા કોરોના વાઇરસના નવા પ્રકારના યુરોપના અન્ય દેશોમાં થયેલા પ્રસારની સાથે સાથે યુરોપિયન સંઘના ૨૭ દેશના ૪૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો રવિવારથી જ પ્રારંભ કરી દેવાયો હતો. શુક્રવારથી જ બેલ્જિયમ ખાતેના પ્લાન્ટમાંથી ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસી યુરોપિયન સંઘના દેશોમાં પહોંચવાની શરૂ થઇ ગઇ હતી. રસીકરણ કોરોના મહામારીનો અંત લાવવા માટેની શ્રેષ્ઠ તક છે અને કોરોનાની રસી સુરક્ષિત છે તેવો જનતાને વિશ્વાસ અપાવવા યુરોપિયન સંઘના ૨૭ દેશોમાં આરોગ્ય કર્મચારીઓ, સિનિયર સિટિઝન્સ અને અગ્રણી રાજકીય નેતાઓએ કોરોનાની રસી મુકાવી હતી. રોમાનિયામાં મિહાલા એન્જેલ નામની નર્સને પહેલી રસી મુકાઇ હતી. રોમમાં પાંચ ડોક્ટર અને નર્સને સૌપ્રથમ રસી અપાઇ હતી. સ્પેનમાં ગુઆડાલાજારા શહેરમાં સૌથી પહેલાં ૯૬ વર્ષીય વૃદ્ધને રસી અપાઈ હતી. ઝેક રિપબ્લિકની રાજધાની પ્રાગ ખાતે વડા પ્રધાન એન્ડ્રેજ બાબિસે કોરોના રસીનો શોટ લીધો હતો. હાલ જેમને કોરોના રસીનો પ્રથમ શોટ અપાયો છે તેમને ૩ સપ્તાહ બાદ બીજો શોટ આપવામાં આવશે. યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન દેર લિયેને કોરોના રસીકરણના પ્રારંભનો વીડિયો જારી કર્યો હતો. જર્મની, હંગેરી અને સ્લોવાકિયામાં શનિવારથી જ રસીકરણની શરૂઆત કરી દેવાઇ હતી. યુરોપનો દરેક દેશ રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવી તે નક્કી કરી રહ્યો છે.

બ્રિટનમાં લોકડાઉનના અંત પહેલાં દોઢ કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની સરકારની યોજના છે. સરકારના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી સુધીમાં બ્રિટનમાંથી કોરોનાના તમામ નિયંત્રણો હટાવી લેવાશે. ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને આગામી થોડા દિવસમાં બ્રિટનની સરકાર મંજૂરી આપે તેવી સંભાવના છે. બ્રિટને આ રસીના ૧૦૦ મિલિયન ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત અમેરિકામાં દર ૧૦૦૦ નાગરિકે એકનું કોરોનાનાં કારણે મોત થયું છે ત્યારે અત્યાર સુધીમાં ૧૯ લાખ લોકોને કોરોનાની રસી આપી દેવાઇ છે. જોકે મેડિકલ નિષ્ણાતોને ભય છે કે નાગરિકો કોરોનાની રસી મુકાવતાં ખચકાઇ રહ્યાં છે.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રમુખ બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે વિશ્વની ૭૦ ટકા જનતાને કોરોનાની રસી મૂકવી પડશે. દરેક વ્યક્તિને બે ડોઝના હિસાબે સમગ્ર દુનિયામાં ૧૦ અબજ વેક્સિન ડોઝની જરૂર પડશે. વિશ્વભરની રસી નિર્માતા કંપનીઓ એક વર્ષમાં ૬ અબજ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના વકરતાં વસાહતો સીલ, માસ ટેસ્ટિંગના આદેશ

તાજેતરના વેકેશન દરમિયાન મોટાપાયે લોકોએ મુસાફરી કરતાં ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. બેઇજિંગમાં ઇમર્જન્સીની જાહેરાત સાથે કોરોનાના કેસ મળી આવ્યા છે તેવી વસાહતોને સીલ કરી દેવાઇ છે. બેઇજિંગના શૂનઇ ડિસ્ટ્રિક્ટમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ નોંધાતાં આ વિસ્તારમાં વસતા તમામ ૮ લાખ લોકોના કોરોનાના ટેસ્ટનો આદેશ અપાયો છે. ચાઓયાંગમાં અઢી લાખ જેટલાં નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બેઇજિંગના સત્તાવાળાઓએ પહેલી જાન્યુઆરીથી સરકારી કર્મચારીઓને શહેર છોડી નહીં જવાનો આદેશ જારી કર્યો છે. જનતાને બિનજરૂરી પ્રવાસ નહીં કરવાની પણ ચેતવણી અપાઇ છે.

કોરોનાનો નવો સ્ટ્રેન – વિશ્વ પર એક નજર

ફ્રાન્સમાં કોરોનાના કેસ વધશે તો ત્રીજું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાની તૈયારી
કેનેડામાં ટ્રાવેલ હિસ્ટ્રી વિનાના બ્રિટિશ કોરોના સ્ટ્રેનના બે કેસ મળી આવ્યા
જાપાનમાં વિદેશથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો
ઓક્સફર્ડની રસીએ અસરકારકતામાં વિનિંગ ફોર્મ્યુલા હાંસલ કરી

ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોરોનાનીરસી વિકસાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીના સીઇઓ પાસ્કલ સ્કોરિઓટે જણાવ્યુ હતું કે, અસરકારકતાના મામલામાં અમારી રસીએ વિનિંગ ફોર્મ્યુલા હાંસલ કરી લીધી છે. અમારી રસી કોરોનાના ગંભીર દર્દીને પણ ૧૦૦ ટકા સુરક્ષા આપી શકે છે. અમારી રસીએ ફાઇઝર અને મોડેર્નાની કોરોના રસી જેટલી જ અસરકારતા હાંસલ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.