કોરોના મહામારીની વચ્ચે આજે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઇ ગયું. સંસદનું સત્ર શરૂ થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સાથે સરહદ પર તણાવને લઇ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે ગૃહના તમામ સભ્ય એક ભાવથી, એક સંકલ્પથી એ સંદેશ આપશે કે આખો દેશ સેનાના જવાનોની સાથે ઉભો છે. પ્રશ્નકાળ નહીં થવાનો પ્રસ્તાવ આજે પસાર થયો. પ્રશ્નકાળ ખત્મ કરવાને લઇ ઉઠી રહેલા પ્રશ્નોની વચ્ચે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કહ્યું કે સરકાર ચર્ચાથી ભાગી રહી નથી.
સંસદીય કાર્યમંત્રી જોશી એ કહ્યું કે આ એક અસાધારણ સ્થિતિ છે. જ્યારે વિધાનસભાઓ એક દિવસ માટે પણ બેઠક કરવા તૈયાર નથી. અમે અંદાજે 800-850 સાંસદોની સાથે બેઠક કરી રહ્યા છીએ. સરકારને પ્રશ્ન કરવાની કેટલીય રીત છે, સરકાર ચર્ચાથી ભાગી રહી નથી. તો રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપી કે શૂન્યકાળમાં સરકારને પ્રશ્ન કરી શકે છે.
લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી એ કહ્યું કે પ્રશ્નકાળ એક સ્વર્ણિમ સમય છે પરંતુ તમે (સરકાર) કહી રહ્યા છો કે કોરોના વાયરસના લીધે પ્રશ્નકાળ આયોજીત કરી શકાય નહીં. તમે સંસદની કાર્યવાહી સંચાલિત કરો છો પરંતુ માત્ર પ્રશ્નકાળને ખત્મ કરી રહ્યા છો. તમે લોકતંત્રનું ગળું દબાવાની કોશિષ કરી રહ્યા છો.
લોકસભામાં ચર્ચા દરમ્યાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચેયર દ્વારા રક્ષા મંત્રીને સંબોધિત કરતાં કહ્યું કે કેટલાંય મહિનાઓથી હિન્દુસ્તાનના લોકો ભારે તણાવમાં છે. કારણ કે આપણી સરહદમાં ચીન…આટલું બોલતા જ સ્પીકરે તેમને રોકી દીધા અને કહ્યું કે તેના પર બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં મીટિંગ થશે, અત્યારે ચર્ચા નહીં. ત્યારબાદ તેમણે આગળના સાંસદને બોલવા માટે આમંત્રિત કર્યા. અધીરે ફરીથી આજે અખબારમાં છપાયેલા એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો પરંતુ સ્પીકરે કહ્યું કે સંવેદનશીલ મુદ્દા પર સંવેદનશીલ રીતે પોતાની વાત કહેવી જોઇએ.