Home Business નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા.

13
0

૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રના વૃદ્ધિદરમાં ૧૯૫૨ પછીના સૌથી મોટા વાર્ષિક ઘટાડાની તૈયારીમાં છે. કોવિડ-૧૯ રોગચાળાની અસરનાં પરિણામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૭ ટકા ઘટવાની સરકારની અપેક્ષા છે, તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે (NSO) રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા તેમાં જણાવાયું હતું. નોંધનીય છે કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે અર્થતંત્રે ૪.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. કૃષિ સિવાય લગભગ તમામ ક્ષેત્રમાં સંકોચન જોવાઇ રહ્યું છે. NSOએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોન્સ્ટન્ટ પ્રાઇસિસ (૨૦૧૧-૧૨) પર રીઅલ જીડીપી અથવા જીડીપી સંભવિતપણે રૂ. ૧૩૪.૪૦ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે તેવી સંભાવના છે જેની સામે વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપીનો પચારિક અંદાજ રૂ. ૧૪૫.૬૬ લાખ કરોડનો હતો. જેથી ૨૦૨૦-૨૧ દરમિયાન રીઅલ જીડીપીમાં અંદાજે ૭.૭ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે જેની સામે ૨૦૧૯-૨૦માં તેમાં ૪.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો.
ચાલુ નાણાકીય વર્ષ માટે દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ૯.૪ ટકાનું સંકોચન જોઈ શકે જ્યારે એક વર્ષ અગાઉ આ ક્ષેત્રે ૦.૦૩ ટકાનો લગભગ ફ્લેટ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ માઇનિંગ અને ક્વોરિંગ તથા ટ્રેડ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ, અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત કોમ્યુનિકેશન અને સર્વિસમાં નોંધપાત્ર પ્રમાણમાં સંકોચન આવવાનો અંદાજ મૂકે છે. દેશનું એકમાત્ર કૃષિ સેક્ટર છે કે જે ૨૦૨૦-૨૧ દરમિયાન ૩.૪ ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવી અપેક્ષા છે. જો કે તે ૨૦૧૯-૨૦માં નોંધાયેલા ચાર ટકાના વૃદ્ધિદરની સરખામણીએ નીચો રહેશે.
કોરોના સંકટ વચ્ચે વિદેશોમાંથી કેરળ પાછા ફરેલા ૮.૪૩ લાખ પૈકી ૫.૫૨ લાખ લોકોએ નોકરી ગુમાવી, તેલંગણાના ૨૦,૦૦૦ માઇગ્રન્ટ બેરોજગાર
કોવિડ-૧૯ મહામારીને કારણે વધેલી આર્થિક ભીંસને પગલે મે મહિનાથી અત્યારસુધીમાં કુલ ૮.૪૩ લાખ અપ્રવાસી કેરળ પાછા ફર્યા છે. તે પૈકી અંદાજે ૫.૫૨ લાખ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. કેરળ રાજ્ય સરકારના અપ્રવાસી કેરળવાસીઓના વિભાગે આ સંબંધમાં આંકડાકીય માહિતી એકત્ર કરી છે. તેમના જણાવ્યા મુજબ મે ૨૦૨૦ના પ્રથમ સપ્તાહથી શરૂ કરીને ૪ જાન્યુઅરી ૨૦૨૧ સુધીમાં કુલ ૮.૪૩ લાખ મલયાલમ લોકો વિદેશથી કેરળ પાછા ફર્યા હતા. તે પૈકી અંદાજે ૫.૫૨ લાખ લોકોની નોકરી જતી રહી છે. નોકરી ગુમાવી ચૂકેલા કુલ લોકો પૈકી ૧.૪૦ લાખ લોકોની નોકરી એક મહિનામાં જ ગઇ છે. બીજી બાજુ તેલંગણાના ૨૦,૦૦૦ માઇગ્રન્ટ શ્રમિક મહામારી ફાટી નીકળતાં અખાતી દેશોમાંથી પાછા ફરતા નોકરી ગુમાવી બેઠા છે.
ડિસેમ્બરમાં બેરોજગારીનો દર ઊછળીને ૯.૧% નોંધાયો
અર્થતંત્રની ગાડી ધીમી પડી છે તેની સીધી અસર રોજગારી પર દેખાવા લાગી છે. ડિસેમ્બરમાં ભારતનો બેરોજગારીનો દર ઊછળીને ૯.૧ ટકા પર પહોંચી ગયો હતો, જે નવેમ્બર મહિના માટે ૬.૫ ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી(CMIE)એ જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં બેરોજગારી વધી છે અને આર્થિક સુધારા સામે શંકા સેવાઇ રહી છે તેની પાછળ આંકડો વધ્યો છે. ડિસેમ્બરમાં શહેરી બેરોજગારીનો દર નવેમ્બરના ૭.૦૭ ટકાની સરખામણીએ ૮.૮૪ ટકા પર પહોંચ્યો હતો ત્યારે ગ્રામીણ બેરોજગારીનો દર ૬.૨૪ ટકાથી ઊછળીને ૯.૧૫ ટકા પર પહોંચી ગયો હતો. પાછલા મહિને રોજગારીના આંકડામાં પણ ૪૮ લાખનો ઘટાડો નોંધાયો હતો. નવેમ્બરમાં આ આંકડો ૩૯.૩૬ કરોડ હતો તે ડિસેમ્બરમાં ઘટીને ૩૮.૮૮ કરોડ પર પહોંચી ગયો હતો. તેને પરિણામે દેશમાં નવેમ્બરમાં બેરોજગારનો આંક ૨.૭૪ કરોડનો હતો તે ડિસેમ્બરમાં ૧.૧૩ કરોડ વધીને ૩.૮૭ કરોડ પર પહોંચી ગયો હતો.

Previous articleકાશ્મીર માં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.
Next articleરાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here