GUJARAT

સુરતના ઉઘનાના મગદલ્લા રોડ પર આવેલું પેટ્રોલ પંપ હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ પેટ્રોલ પંપ પર એકસાથે 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પેટ્રોલ પંપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…

રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. અમદાવાદમાં પણ ધીમેધીમે કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે, બીજી બાજુ વડોદરા, સુરત અને રાજકોટની હાલત ખુબ જ ખરાબ થઈ રહી છે. ત્યારે સુરતમાંથી મહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે આખેઆખું પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી પડી છે. સુરતના ઉઘનાના મગદલ્લા રોડ પર આવેલું પેટ્રોલ પંપ હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ પેટ્રોલ પંપ પર એકસાથે 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પેટ્રોલ પંપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે મનપા દ્વારા પેટ્રોલ પંપ પર કોરોના ટેસ્ટિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરમાં પેટ્રોલ પંપના કુલ 16 કર્મીઓ સંક્રમિત થયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત વિસ્તારમાં પાલિકા દ્વારા રવિવારે વિવિધ વિસ્તારના પેટ્રોલપંપના 884 કર્મચારીઓનું કોવિડ–19નું રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ પેટ્રોલ પંપ પર કુલ 884 ટેસ્ટ કરવામાં આવેલ જેમાં 16 વ્યક્તિઓ પોઝિટિવ આવતા હાહાકાર મચ્યો હતો. જે પૈકી અઠવા ઝોનના ઉધના-મગદલ્લા રોડ પર ગાંધી કુટીર પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે ટેસ્ટ કરતા 126 કર્મચારી પૈકી 12 કર્મચારી પોઝિટિવ જણાતા પેટ્રોલપંપ બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં અલગ અલગ પેટ્રોલ પંપ ખાતે મનપાએ કોરોના ટેસ્ટ કરાવવાનું અભિયાન ચલાવ્યું હતું. જેમાં તમામ પેટ્રોલ પંપના કુલ 16 કર્મીઓ પોઝિટિવ મળ્યા હતા, જ્યારે એક જ પંપમાંથી 12 પોઝિટિવ કેસ મળતા આખેઆખો પંપ બંધ કરાવાયો હતો.

સુરતમાં કોવિડ–19ની મહામારીને ધ્યાને લેતા સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ–19ના સંક્રમણને અટકાવવા માટે ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તે પૈકી જે સંસ્થા/યુનિટ જે વ્યક્તિ વધુ પ્રમાણમાં શહેરીજનોના કોન્ટેક્ટમાં આવતા હોય તેવા તમામ સુપરસ્ટેડરનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી આ પ્રકારના પોઝિટિવ વ્યકિતને વહેલામાં વહેલી તકે ઓળખી શકાય અને કોરોના રોગના સંક્રમણને થતું અટકાવી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં રવિવારે વધુ 173 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે જ મોતનો આંકડો 658 થયો છે જ્યારે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19,726 પર પહોંચી છે. બીજી તરફ સારી વાત એ છે કે સુરત શહેરનો રિકવરી રેટ 89.1 ટકા પર પહોંચ્યો છે. રવિવારે 177 લોકો સાજા થયા હતા. કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓની સંખ્યા 17,573 પર પહોંચી છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 10, વરાછા એ માં 17, વરાછા બી માં 13, રાંદેર ઝોનમાં 35, કતારગામમાં 18, લિંબાયતમાં 12, ઉધનામાં 13 અને અઠવા ઝોનમાં 55 કેસ નોંધાયા હતા.

કતારગામ જીઆઈડીસી, ટેક્સટાઇલ, કારખાનાઓ હોય અહીં શ્રમિકો વધુ આવી રહ્યા છે. તેથી લોકોના ટેસ્ટિંગ સરળતાથી થઈ શકે તે માટે કતારગામ બાળાશ્રમ સામે બ્રિજ નીચે જાહેરમાં ટેસ્ટિગ હાથ ધરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાલિકાની આરોગ્યની ટીમો એન્ટીજન ટેસ્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.