Home India દિલ્હીમાં તાજેતરમાં સામે આવેલા કેસમાં નવા જ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં.

દિલ્હીમાં તાજેતરમાં સામે આવેલા કેસમાં નવા જ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં.

95
0

ભારતમાં હવે કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો હોવાથી ખળબળાટ મચી ગયો છે. દિલ્હીમાં તાજેતરમાં સામે આવેલા કેસમાં નવા જ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં છે. જાણકારોના મતે છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાનાં સંક્રમણના આવેલા કેસમાંથી ૧૩ લોકોમાં ફંગલ ઈન્ફેક્શનને કારણે તેમની દૃષ્ટિ જતી રહી હતી. આ ઉપરાંત કેટલાક કેસમાં નાક અને જડબાનાં હાડકાંને નુકસાન થયું હતું.
આ સિવાય મગજ સુધી વાઇરસ પહોંચી જવાના કારણે કેટલાક દર્દીઓનું મોત થયાનું પણ સામે આવ્યું હતું. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે લોકોમાં Mucormycosis જોવા મળી રહ્યો છે. તેના કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી તથા આંખોમાં સોજો આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે.
આ સિવાય કેટલાક કિસ્સામાં આંખોની દૃષ્ટિ ગુમાવી દેવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ કોરોનાની વેક્સિનના ટ્રાયલમાં જોડાયેલા હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજની તબિયત વધારે ગંભીર થતાં તેમને મેદાંતામાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ કોરોનાની રસીનો પહેલો પ્રાયોગિક ડોઝ લીધા બાદ પાંચમી ડિસેમ્બરે પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમને બે વખત અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્રિટનમાં વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે
બ્રિટનમાં કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર થઈ રહી છે. તાજેતરમાં બ્રિટનના દક્ષિણપૂર્વમાં રહેનારા ૧ કરોડ લોકોને ટિયર-૩ લેવલના લોકડાઉન હેઠળ લાવી દેવાયા છે. સ્વાસ્થ્યમંત્રી મેટ હેન્કોકે જણાવ્યું કે, કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ સ્ટ્રેનના પગલે લોકોમાં ફંગલ ઈન્ફેક્શન થવું અને અન્ય શારીરિક પીડા વધવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સ્ટ્રેન દ્વારા મોત થયાનું પ્રમાણ સામે આવ્યું નથી તેમ છતાં તેનાથી સંક્રમણ ફેલાવાની ગતિ વધી ગઈ હોવાનું જાણકારો માની રહ્યા છે.
આ સ્ટ્રેન ઓછો ઘાતક છે છતાં તે ફેલાય છે ઝડપથી એટલે જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક તંત્રના ૬૦ જેટલા જાણકારો સાથે નવા સ્ટ્રેન ધરાવતા વાઇરસ અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ વાઇરસની ઘાતક સ્થિતિ અંગે હજી સચોટ અહેવાલ આવ્યો નથી છતાં પ્રાથમિક આધારને ધ્યાનમાં રાખીને કેટલાક પગલાં લેવાયાં છે. જાણકારોના મતે વાઇરસનો પ્રોટીન સતત પોતાનામાં સુધારા વધારા કરીને વિકસિત થઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. તેના કારણે નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.
રસીના રિએક્શન માટે સજ્જ રહે રાજ્યો : કેન્દ્ર સરકાર
કોરોનાની રસી અંગે સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશભરમાં ટૂંક સમયમાં જ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક રાજ્યોએ રસીના રિએક્શન અંગે પણ સજ્જ થવું પડશે. રસીની આડ અસરોના અહેવાલો છે. રસીકરણ માટે ૨૯ હજાર કોલ્ડ ચેન પોઈન્ટ સ્થાપવામાં આવશે, ૨૪૦ વોકઈન કુલર્સ, ૭૦ વોક ઈન ફ્રીઝ અને ૪૧ હજાર ડિપ ફ્રિઝ જ્યારે ૩૦૦ સોલાર ફ્રિઝ તૈયાર કરવામાં આવશે. બીજી તરફ એવી ચર્ચા છે કે, સિરમ દ્વારા આ મહિનાના અંત સુધીમાં રસીના પ્રયોગના તમામ ડેટા સરકારને આપી દેવાશે અને બધું યોગ્ય રહ્યું તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રસીને મંજૂરી મળી જશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here