દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારત તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ઝેરી વાયુનું પ્રદૂષણ તેમજ હવાની ગુણવત્તાની સ્થિતિ કથળી રહી છે ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT) દ્વારા દિલ્હી અને એનસીઆરમાં ફટાકડા વેચવા અને ફોડવા પર ૯મીને સોમવારની મધરાતથી ૩૦ નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દિલ્હી અને એનસીઆર ઉપરાંત જ્યાં નવેમ્બરમાં હવાની ગુણવત્તા ખરાબ કે વધુ ખરાબ હોય તેવા દેશનાં ૪થી વધુ રાજ્યોનાં ૨૪થી વધુ શહેરો અને નગરોમાં પણ ફટાકડા વેચવા અને ફોડવા પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ માટે ગયા વર્ષનાં હવાનાં પ્રદૂષણના આંકડા અને સ્થિતિને ધ્યાનમાં લેવાશે તેમ NGTના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોયલે જણાવ્યું હતું. એનજીટીના આદેશ પહેલા જ સિક્કિમ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા અને કર્ણાટક જેવાં રાજ્યોમાં તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કેટલાંક શહેરોમાં ગ્રીન ફટાકડાની છૂટ
અલબત્ત ટ્રિબ્યૂનલે કેટલાંક રાજ્યોનાં શહેરો અને નગરો કે જ્યાં હવાની ગુણવતા સામાન્ય કે સાધારણ હોય ત્યાં ફક્ત ગ્રીન ફટાકડા વેચવા અને ફોડવાની છૂટ આપી છે. NGTએ દિવાળી, છઠ, નવું વર્ષ અને ક્રિસમસ પર્વ પ્રસંગે ફક્ત બે કલાક જ ફટાકડા ફોડવા મંજૂરી આપી છે. જે રાજ્યો દ્વારા ફટાકડા ફોડવા માટે કોઈ ચોક્કસ સમય જાહેર કરાયો ન હોય ત્યાં ૮થી૧૦ની મંજૂરી આપી છે.