સુરતમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ (MD)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી છે, સુરતમાં યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જગ્યાએ રેડ કરી હતી, જેમાં એક દિવસમાં 1.33 કરોડના ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ગાંજાનો પણ મોટો જથ્થો પોલીસે કબ્જે કરી કુલ પાંચ આરોપીઓને દબોચી લીધા છે.
સલામન ઉર્ફે અમનને સુરત ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ સાથે ઝડપી પાડ્યો છે, ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત અંદાજે 1.1 કરોડ તથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજિટલ વજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1.4 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાંથી સંકેતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે, સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107, 108માંથી મૂળ અમરેલીના સંકેત શૈલેશ અસલાલિયાને ઝડપી લીધો છે, બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30.49 લાખ તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31.22લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બે ઓપરેશનમાં સુરત પોલોસે આરોપી તો ઝડપી પાડ્યા છે. જોકે યુવાનો આજે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય તેવું ફલિત થયું છે.
પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સ પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ બીજો આરોપી ટુંકના ચન્દ્રમણિ ગૌંડા અને ત્રીજો બસંત યુધિષ્ઠિર સ્વાઈ પાસેથી 562.510 કિલો ગાંજો, જેની અંદાજે કિંમત 56.45 લાખ અને ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ 63.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઝડપાયેલા ત્રણે મૂળ ઓરિસ્સાના વતની છે.
સુરત પોલીસે હાલ ગાંજા અને MD ડ્રગ મામલે કુલ પાંચ આરોપીઓને ઝડપી તો પાડયા છે, જોકે સુરત પોલીસ રાંદેર ટાઉન અને કોસાડ આવાસમાં હજુ ઓન ધ્યાન રાખે તો મોટા રેકેટનો પ્રદાફાશ થાય તો નવાઈ નહિ. તો બીજી તરફ આ ગુનામાં પકડાયેલા ત્રણનું બોલીવુડ કનેક્શન છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.