GUJARAT

વેક્સિન એ કોરોના સામેનો સલામત અને રામબાણ ઉપાય હોવાનું જણાવતા ડો. સંધ્યા જોષી

રેમડેસિવિર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન બાદ જ લેવું હિતાવહ

દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ઇન્ચાર્જ ચીફ ડિસ્ટ્રીક્ટ મેડીકલ ઓફીસર ડો. સંધ્યા જોષી જણાવે છે કે વેક્સિન એ કોરોના સામેનો સૌથી સલામત રામબાણ ઉપાય છે અને નાગરિકો સત્વરે વેક્સિન લઇ લે. ઉપરાંત કોરોનાની સાવચેતીઓના પાલન બાબતે અને રેમડેસિવિર ઇન્જેકશન વિશે ચાલી રહેલી ખોટી અફવાઓનું પણ તેઓ ખંડન કરે છે.
તેઓ જણાવે છે કે, હું તમને આજે એક મહત્વની વાત જણાવવા માંગું છું. મેં પોતે વેક્સિન ના બંને ડોઝ લઇ લીધા છે અને બંને ડોઝ લીધા બાદ મને કોઇ પણ પ્રકારની પરેશાની-આડઅસર થઇ નથી. વેક્સિનના બંને ડોઝ સંપૂર્ણ સુરક્ષિત છે. અત્રેના સંપૂર્ણ સ્ટાફ તેમજ મારી સાથેના સાથી ડોક્ટર્સે પણ વેક્સિન લીધી છે. અને તેમાંથી અત્યાર સુધી કોઇને કોઇ પણ તકલીફ થઇ નથી.
હું વિન્રમપણે સમગ્ર સમાજને-નાગરિકોને અપીલ કરવા માંગું છું કે તમે લોકો વેક્સિન જરૂર થી લો. વેક્સિન ખૂબ જ સુરક્ષિત છે. વેક્સિન એ કોરોના સામેનો સૌથી સલામત અને રામબાણ ઉપાય છે.
બીજી મહત્વની વાત એ કે વેક્સિન બાબતે ઘણી અફવાઓ ચાલી રહી છે. તેના પર ધ્યાન ન આપો. આ સર્વ અફવાઓ ખોટી છે. વેક્સિન નજીકના સરકારી રસીકરણ કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર તેમજ નક્કી કરાયેલા ખાનગી દવાખાનાઓમાં પણ વેક્સિન ઉપલબ્ધ છે. તેથી જેમનો પણ વારો આવી રહ્યો હોય તેઓ વેક્સિન સત્વરે લઇ જ લે.
ત્રીજી મહત્વની વાત એ છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળો. ઘરમાં રહો – સુરક્ષિત રહો. સરકારની માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરો. માસ્ક વ્યવસ્થિત રીતે પહેરો. વારંવાર હાથ સેનિટાઇઝર કરો અને સામાજિક અંતરના નિયમનું પાલન કરો. બિનજરૂરી ઘર બહાર ન નીકળો. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો અને પોતે પણ ભીડભાડ ન કરો.
રેમડેસિવિર ઇન્જેકશન વિેશે ઘણી અફવાઓ ચાલી રહી છે. તેના વિશેની હકીકત જાણવી જરૂરી છે. રેમડેસિવિર ઇન્જેકશન સરકારી ડોક્ટર કે ફિઝિશનના પ્રિસ્ક્રિપ્શન વિના નથી લેવાની. ફિઝિશન જયારે દર્દીને તપાસ કરશે. તેનું એસપીઓટુ ચેક કરશે, રેસ્પીરેટરી તેમજ એચઆરસીટી સ્કોર વગેરે રિપોર્ટો જોયા બાદ જયારે ફિઝિશન આરટીપીસીઆર પોઝિટિવ દર્દીઓને રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ કરશે ત્યારે જ આ ઇન્જેકશન લેવાનું રહેશે. આ ઇન્જેકશન ખૂબ ઉપયોગી છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત ડોક્ટરની સલાહ મુજબ જ કરવાનો છે.

ઝેની શેખ, દાહોદ.

Leave a Reply

Your email address will not be published.