South-Gujarat

ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહયો છે

કોરોનાની બીજી ઘાતક લહેરની ચેઈનને તોડવા માટે ડાંગનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ,સુબિર સહિતનાં ગામડાઓનું જનજીવન બહાર નીકળવાનું ટાળતા સમગ્ર વિસ્તારોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો….

સમગ્ર દેશ સહિત રાજ્યમાં નોવેલ કોરોના વાયરસની બીજી ઘાતક લહેર લોકો ઉપર કહેર બની તૂટી પડી છે.દેશ સહીત રાજ્યમાં કોરોનાનો ઉછાળો નોંધાતા લોકો સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પ્રથમ તબક્કામાં કોરોના મુક્ત રહયો હતો.પરંતુ ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી ઘાતક લહેરે ફરી માથુ ઉચકતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનાં પગલે મૃત્યુઆંક વધી રહયો છે.ડાંગ જિલ્લામાં કોરોનાની સંક્રમણની સાંકળને તોડવા કલેક્ટર એન.કે.ડામોરનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યુ છે.

પરંતુ આ સાંકળને તોડવી હોય તો જનજીવનનો પ્રતિસાદ પણ જરૂરી બન્યો છે.ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં રાજકીય આગેવાનો અને વ્યપારી એસોસિએશન દ્વારા તા.22 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કર્યું હતુ.આ સ્વૈચ્છિક લોકડાઉનનાં પગલે ગુરુવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,વહીવટી મથક આહવા,સુબિર,વઘઇ,સાકરપાતળ,શામગહાન સહિત સમગ્ર ગામડાઓનું જનજીવન ઘરમાં જ પુરાઈ રહેતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ગામડાઓ સહિત રાજ્ય ધોરીમાર્ગો પ્રથમ વખત ખાલીખમ બની સુમસામ ભાસી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાએ પણ ડાંગવાસીઓને સ્વૈચ્છિક લોકડાઉનમાં કામ વગર બહાર ન નિકળવુ અને આવશ્યક સેવા અથવા ઇમરજન્સીમાં માસ્ક ફરજીયાત પહેરી બહાર નીકળવાની સાથે સાવચેતીનાં પગલા ભરવા અનુરોધ કર્યો હતો.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.