દક્ષિણ આફ્રિકામાં રહેતાં સુરત જિલ્લાના યુવાનોને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં 2 યુવકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બે યુવકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. રવિવારની રજા હોવાને કારણે યુવાનો બીચ પર ફરવા નીકળ્યા હતા. પણ રસ્તામાં કાળમુખા અકસ્માત નડ્યો હતો. યુવકોનાં મોતને લઈ પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.
રવિવારની રજા હોવાની કારણે યુવાનો સાઉથ આફ્રિકામાં રહેતાં સુરત જિલ્લાના પાંચ ફ્રેન્ડ્સે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. અને ગઈકાલે તેઓ એન્જોય કરવા માટે રોટસની બીચ પર ગયા હતા. એક કારમાં લઈને પાંચ યુવાનો બીચ પર જવા માટે નીકળ્યા હતા. જો કે, રોટસનીથી ડરબન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં હેરિસ્મિથ ટાઉન પાસે તેમની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં 2 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 યુવકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં જે બે યુવાનોનાં મોત નિપજ્યા છે તેઓ સુરત જિલ્લાના તડકેશ્વર ગામના છે. અને જે 2 યુવાનોની હાલત ગંભીર છે, તે યુવાનો માંગરોળના નાની નરોલી ગામના છે. જો કે, આ અકસ્માતને કારણે સુરતમાં રહેતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.