જાપાનની દિગ્ગજ કંપની સોફ્ટબેંક ગ્રૃપ કોર્પ ભારતમાં ટિકટોકના એસેટ્સને ખરીદવાની કોશિશમાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કંપની આ માટે તમામ સક્રિયતાની સાથે ભારતીય પાર્ટનરની શોધ કરી રહી છે. સુત્રોના કહેવા પ્રમાણે એક મહિના દરમિયાન સોફ્ટબેંકે રિલાયન્સની જિઓ ઈન્ફોકોમ લિમિટેડ અને ભારતી એરટેલના પ્રમુખો સાથે આ મુદ્દે વાત કરી છે.
સોફ્ટબેંક આ ઉપરાંત અન્ય વિકલ્પો પણ તપાસી રહી છે. ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સ લિમિટેડમાં સોફ્ટબેંકની ભાગીદારી છે. આ અંગે સોફ્ટબેંક, બાઈટડાન્સ, રિલાયન્સ અને ભારતી એરટેલે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને કારણે ભારત સહિત અનેક દેશોએ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કંપની યુઝર્સના ડેટા ચીનની સરકારને આપી રહી છે.
ભારતે જુલાઈમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ચીની એપના ભારતમાં 20 કરોડથી પણ વધારે યુઝર્સ હતા. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. જે બાદ દેશમાં ચીનની સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવાની ધમકી આપી છે. અને અમેરિકાનો કારોબાર અમેરિકન કંપનીને વેચી દેવા માટે આદેશ કર્યો છે