પેટલાદ મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લેતા બહારના પરીસરથી લઈને અંદર પ્રવેશ કરતાં જોવા મળે કે સૌચાલયની વ્યવસ્થા તો કરી દેવાઈ છે, પરંતુ તે વ્યવસ્થાના ભાગરૂપે જ થઈ હોય તેવી હાલત તેને જોતા થાય છે. પાન મસાલાની પિચકારીની ગંદકીથી ખદબદતા શૌચાલયની સફાઈ જ નહિં થતી હોવાનું જણાય રહ્યું છે. સફાઈના સુત્રો શહેરમાં ચિતરાવતા અધિકારીઓ તેને ખરા અર્થમાં પોતાની કચેરીથી સાર્થક કરે તે જરૂરી છે. ચકચકાટ કચેરીમાં બેસતા સરકારી બાબુઓને કચેરીમાં લટાર મારીને સ્વચ્છતાની સમીક્ષા કરવાની દરકાર નથી તે ફેલાયેલી ગંદકી સાબિત કરે છે. કચેરીના અધિકારીઓ પોતાની કચેરી સાફ રહે તે પુરતું ધ્યાન રાખે છે. બાકી જ્યાં લોકોની અવરજવર તથા હાજરી હોય છે તેવી જગ્યાએ નિયમિત સફાઈ થતી નથી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખા દેશમાં સ્વચ્છતા મિશન ચલાવવા કરોડોના ખર્ચે જાગૃતિ અભિયાન ચલાવે છે. પાલિકા, પંચાયત સહિતની સંસ્થાઓ લાખોનો ખર્ચ કરીને હોર્ડિંગ્સ લગાવી સરકારી યોજનાઓની જાહેરાત કરે છે. તો બીજી તરફ પેટલાદ મામલતદાર કચેરીમાં જ દીવા તળે અંધારુ હોય તેવી સ્થિતી છે. અનેક સરકારી બાબુઓ અહી બિરાજમાન હોય છે. પરંતુ કોઈને પણ ગંદકી દુર કરવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. ત્યારે જિલ્લા કલેકટર તેમના તાબાના સરકારી બાબુઓને પોતાની કચેરીમાં સ્વચ્છતા લાવવાનું શીખવે પછી લોકોને જાગૃત કરવા કામ સોંપે તેવી લાગણી અહીં આવતા મુલાકાતીઓમાં પ્રવર્તી રહી છે.

વિપુલ સોલંકી પેટલાદ