રાજકોટ (Rajkot) શહેરમાં પોલીસ પર ભ્રષ્ટાચારના બેસુમાર વહિવટોના દાગ લાગ્યા કરે છે. ગત સપ્તાહે જ ખુદ દુર્ગા શક્તિ ટીમની ઈન્ચાર્જ તાલુકા પોલીસ મથકની મહિલા એ.એસ.આઈ. (ASI) તૃષા આર. બુહા (Trusha Busa) હનીટ્રેપ (Honey Trap)ની સુત્રધાર નીકળતા પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા સસ્પેન્ડનો ઓર્ડર કરાયો છે. હવે ખાખીના રંગમાં જીઆરડી (GRD) સભ્યો અને હોમગાર્ડ જવાનો પણ પોલીસથી સવાયા બનીને જાણે અધિકારીઓનો કોઈ કંટ્રોલ જ ન હોય એ રીતે ખુલ્લેઆમ તોડતાડ કરતા હોવાથી સાફસુફીનો આરંભ કરાયો છે. તાલુકા મથકના હોમગાર્ડ અને GRDને કાયમી માટે હાંકી કઢાયા હોવાનું જાણવા મળે છે.
શહેરના રામેશ્વરપાર્કમાં દંપતી સાથે મળીને તાલુકાના બે જીઆરડી સભ્ય રીતેષ ફેફર અને સુભાંગ સીસાંગીયાએ મોરબીના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી 22,500ની રોકડનો તોડ કર્યાનો અને વધુ બે લાખ રૂપિયા માંગ્યાનો કિસ્સો સામે આવ્યો હતો અને યુનિવર્સિટી પોલીસે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. ફરિયાદી વેપારીની પુછતાંછમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે વેપારીને નાણા પડાવવા અને ડરાવવા તાલુકા પોલીસમથકે લઈ જવાયો હતો ત્યાં તેની સામ એએસઆઈ તૃષા બુહાએ માસ્ક ન પહેર્યાનો કેસ કર્યો હતો. વેપારીને બંને જીઆરડીએ પોલીસની સ્ટાઈલથી વેપારીને પોલીસમથકમાં માર પણ માર્યો હતો.
હનીટ્રેપકાંડમાં મુખ્ય સુત્રધાર મહિલા એએસઆઈ બુહા જ નીકળતા બે દિવસ પહેલા યુનિર્વિસટી પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન મુકત થયેલી એએસઆઈને નાણાની લાલસામાં પોલીસને લાંછન લાગે તેવુ હનીટ્રેપનું કૃત્ય કરવા બદલ સમસમી ઉઠેલા સી.પી. મનોજ અગ્રવાલ દ્વારા એએસઆઈ તૃષા બુહાને સસ્પેન્ડ કરાયા છે.
સાથે સાથે તાલુકા પોલીસમથકમાં જીઆરડી, હોમગાર્ડ જવાનોની પણ સાફસુફી કરાઈ છે જેમાં હનીટ્રેપના રીતેષ ફેફર, સુભાંગ શીસાંગીયા ઉપરાંત છેલ્લા ત્રણેક વર્ષથી વધુ સમયથી તાલુકા પોલીસમથકમાં જ ચીટકી ગયેલા ટેવધારી પ્રદિપ વૈશ્નાની ઉર્ફે પીંટુ, રૂપેશ ઠુમ્મર, ડોલર, ડી.પી. રાઠોડ, રૃષી જાની સહિતનાને કાયમી માટે ડિસમિસ્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે. જીઆરડી અને હોમગાર્ડ એક જ જગ્યા લાંબો સમય રહેવાથી રોંગ ટ્રેક પર આવતા હોય છે જેને લઈને દર મહિને તેઓને અન્યત્ર પોલીસમથકમાં ખસેડી દેવામાં આવશેનું પણ સી.પી.એ જણાવ્યું હતું.બદી માટે અધિકારીઓ પણ જવાબદાર
ખરેખર તો પોલીસમથકો, બ્રાન્ચોમાં પોલીસ કર્મીઓ, જીઆરડી, હોમગાર્ડ શું કરે છે શું નહી ? તેની જવાબદારી થાણા ઈન્ચાર્જોની જ રહેતી હોય છે. ફરજથી વિપરીત દિશામાં, અન્ય કામો કરતા હોય તે શું અધિકારીઓ જાણતા ન હોય? તેઓ જ જો કોઈપણ કારણોસર અતિ વિશ્વાસમાં રહેતા હોય, આંખ આડા કાન કરતા હોય તો બદી વધુ ફુલે ફાલે એ પણ હકિકત છે અને બદનામી પોલીસબેડાને મળતી રહે છે. સ્ટાફ શોર્ટના બ્હાના તળે અધિકારીઓ પોતાના માનીતા જીઆરડી કે હોમગાર્ડને ડી સ્ટાફ, ઓફિસ વર્ક કે એએસઆઈ સુધીના રાઈટર પણ બનાવી દેતા હોય છે જેના કારણે પોલીસનું જ મોરલ ડાઉન થતું હોય છે.