। નવી દિલ્હી ।
વૈશ્વિક કિંમતો સાથે તાલ મિલાવતા જાહેરક્ષેત્રની ઓઇલ કંપનીઓએ બુધવારે સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો કર્યો હતો. આ ભાવવધારા સાથે દિલ્હીમાં ૧૪.૫ કિલોના પ્રતિ સિલિન્ડરની કિંમત રૂપિયા ૧ વધીને રૂપિયા ૫૯૪ પહોંચી હતી. મુંબઇમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા ૩.૫ના વધારા સાથે કિંમત રૂપિયા ૫૯૪ થઇ હતી. બુધવારના ભાવવધારા સાથે કોલકાતામાં પ્રતિ સિલિન્ડર રૂપિયા ૪.૫૦, ચેન્નઇમાં રૂપિયા ૪નો વધારો થયો હતો. જેના પગલે કોલકાતામાં પ્રતિ સિલિન્ડર કિંમત રૂપિયા ૬૨૦.૫૦ થઈ છે.
જેટ ફ્યૂઅલમાં પ્રતિ કિલોલિટર રૂપિયા ૨૯૨૨.૯૪નો વધારો
ઓઇલ કંપનીઓએ જેટ ફ્યૂઅલમાં છેલ્લા એક મહિનામાં ત્રીજીવાર ભાવવધારો ઝીંક્યો છે જેના પગલે હવાઇ મુસાફરી વધુ મોંઘી બનશે. દિલ્હીમાં જેટ ફ્યૂઅલની કિંમતમાં પ્રતિ કિલોલિટર રૂપિયા ૨૯૨૨.૯૪નો વધારો કરાતાં કિંમત ૭.૫ ટકા વધીને રૂપિયા ૪૧,૯૯૨.૮૧ પ્રતિ કિલોલિટર પર પહોંચી હતી.
સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ન વધી
ઓઇલ કંપનીઓ દ્વારા ઇંધણોની કિંમતમાં રોજિંદી સમીક્ષા અંતર્ગત સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ન કરાતાં જનતાને હાશકારો મળ્યો હતો. છેલ્લા ૩ સપ્તાહમાં ડીઝલની કિંમતમાં ૨૨ વાર અને પેટ્રોલની કિંમતમાં ૨૧ વાર વધારો કરાયો હતો. છેલ્લા ૩ સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા ૯.૧૭ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા ૧૧.૧૪નો વધારો કરી દેવાયો છે.