Home India UPના હિસ્ટ્રી શીટર વિકાસ દુબેનો ખેલ ખલ્લાસ, ખુદ CM યોગી સક્રિય થયા...

UPના હિસ્ટ્રી શીટર વિકાસ દુબેનો ખેલ ખલ્લાસ, ખુદ CM યોગી સક્રિય થયા અને આપ્યા આદેશ

63
0

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ચૌબેપુર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલા બિકરુ ગામ ખાતે ગુરુવારે મોડી રાત્રે હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને ઝડપી લેવા દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર અપરાધીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસ કર્મચારી શહીદ થયાં હતાં. આ અથડામણમાં ચાર પોલીસ કર્મચારીઓને ગોળીથી ઈજા થતાં સારવાર માટે કાનપુરની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. તેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ પોલીસે કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેના માથા પર રૂપિયા 50 હજારના ઈનામની જાહેરાત કરી છે. આ ઘટના બાદ યોગી સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે સાંજે સીએમ યોગી કાનપુર પહોંચ્યા હતાં અને ઘાયલ પોલીસકર્મીઓની હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. સાથે જ યોગીએ હુંકાર ભર્યો હતો કે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
ઉત્તરપ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એચ. સી. અવસ્થીએ જણાવ્યું હતું કે, પોલીસ જેવી કુખ્યાત અપરાધીના છુપાવાના સ્થળ નજીક પહોંચી કે અપરાધીઓએ મકાનની છત પરથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના પગલે ડીએસપી દેવેન્દ્ર મિશ્રા, 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ચાર પોલીસ કોન્સ્ટેબલનાં મોત થયાં હતાં. એવું લાગી રહ્યું છે કે પોલીસના દરોડા અંગે વિકાસ દુબેને પહેલેથી જાણ થઈ ગઈ હતી. વિકાસ દુબે અને તેના સાથી ગુંડાઓએ પોલીસને ગામમાં પ્રવેશતી અટકાવવા માટે ઠેર ઠેર અવરોધો ઊભા કર્યાં હતાં. પોલીસની ટીમ લાપરવાહ જણાતાં તેમણે મકાનની છત પરથી જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
એડીજી લોં એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં એક નાગરિક સહિત અન્ય 7 લોકોને ઈજા પહોંચી છે. પોલીસના કેટલાક હથિયાર પણ ગાયબ થયાં છે. દોષિતોને ઝડપથી પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. પોલીસના પક્ષે કોઈ ખામી રહી હશે તો તેની પણ તપાસ કરાશે. અપરાધીઓને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવી 7,૦૦૦ પોલીસ કર્મચારીઓને કામે લગાડાયાં છે.
પોલીસ 18મી જૂને કાનપુરના ચકેરી ગામ ખાતે બહુજન સમાજ પાર્ટીના નેતા બહુજન સમાજ પાર્ટીના નેતા પિન્ટુ સેંગરની હત્યામાં સંડોવાયેલા ભાડૂતી હત્યારાઓને પણ શોધી રહી હતી. તેઓ બિકરુ ગામમાં સંતાયા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને ઇમારતની છત પરથી એકે 47 કાર્બાઇનના ખાલી શેલ મળી આવ્યાં હતાં. વિકાસ દુબેના બે ગુંડાને બિકરુથી 3 કિમી દૂર નિવાડા ગામમાં પોલીસે ઠાર માર્યાં હતાં. પોલીસે વિકાસ દુબેના સાળા દિનેશ તિવારીની પણ પૂછપરછ માટે ધરપકડ કરી હતી.પોલીસે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને તેના સાથી અતુલ દુબેની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસની ર્સિવસ પિસ્તોલ મળી આવી હતી. એક અહેવાલ પ્રમાણે બંને પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયાં છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઠ શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી ફાયરિંગમાં સંડોવાયેલા અપરાધિક તત્ત્વોની સામે આકરા પગલાં લેવાનો આદેશ જારી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ આઠ પોલીસ કર્મચારીઓની શહાદતને ક્યારેય ભૂલશે નહીં. તેમનાં બલિદાન વ્યર્થ જશે નહીં. આદિત્યનાથે શહીદ પોલીસના પરિવારને રૂપિયા એક કરોડની સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
શહીદ પોલીસકર્મચારીઓ
– દેવેન્દ્ર મિશ્રા – ડીએસપી
– મહેશ યાદવ – સબ ઇન્સ્પેક્ટર
– અનુપ કુમાર – સબ ઇન્સ્પેક્ટર
– બાબુલાલ – સબ ઇન્સ્પેક્ટર
– સુલતાનસિંહ – કોન્સ્ટેબલ
– રાહુલ -કોન્સ્ટેબલ
– જિતેન્દ્ર – કોન્સ્ટેબલ
– બબલુ – કોન્સ્ટેબલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here