Home International ગાંધીનગર અને રાજકોટમાં રસીકરણની ટ્રાયલ રન યોજાશે.

ગાંધીનગર અને રાજકોટમાં રસીકરણની ટ્રાયલ રન યોજાશે.

21
0

કોરોનાની રસી આવવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તે પૂર્વ રાજ્યમાં સોમ અને મંગળવારે કોરોના રસી આપવાની ટ્રાયલ રન યોજાશે. કેન્દ્રએ નક્કી કરેલા બે જિલ્લા ગાંધીનગર અને રાજકોટમાં કુલ 19 સ્થળોએ આ ટ્રાયલ રન યોજાશે. જેમાં સેન્ટર દીઠ પચીસ વ્યક્તિઓને બોલાવી રસીકરણની ટ્રાયલ રન કરવામાં આવશે.
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેના જણાવ્યા પ્રમાણે કેન્દ્રના આરોગ્ય વિભાગે નક્કી કરેલા બે જિલ્લા ગાંધીનગર અને રાજકોટ ખાતે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 475 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિનેશન પહેલા વેક્સિનેશનની જાણકારી આપવા ટ્રાયલ રન યોજાશે. ગાંધીનગર જિલ્લામાં 10 અને રાજકોટ જિલ્લામાં 9 વિવિધ સ્થળોએ આ ટ્રાયલ રન થશે. જેમાં પ્રત્યેક સ્થળે 25 હેલ્થ વર્કર્સ જેમને બાદમાં કોરોના રસી અપાવાની છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેક્સિનેશન અંગે માહિતી અપાશે.
કોરોના વેક્સિનેશન કેવી રીતે થશે, રસીનું સ્ટોરેજ પ્રોટોકોલ મુજબ સ્ટોરેજ ફેસિલિટી સેન્ટર ખાતે કઈ રીતે કરવું, વેક્સિનેશન માટે લોકોને કઈ રીતે લાવવા લઈ જવા વગેરે માટે જાણકારી આપવા આ ટ્રાયલ રનનું આયોજન થઈ રહ્યું હોવાનું પણ આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું. દરમિયાન રાજ્યમાં વેક્સિનેશન માટે ડેટા કલેક્શનની કામગીરી લગભગ પૂર્ણ કરાઈ છે, જેમાં 50થી વધુ વયના 1 લાખ અને 50થી ઓછી ઉંમરના પણ અન્ય મોટી બિમારીઓ ધરાવતા 2.61 લાખ લોકોનું લિસ્ટ તૈયાર થયું છે. જેમને પ્રથમ અગ્રતામાં કોરોના રસી અપાશે.
રસીકરણ દરમિયાન કોઈ કચાસ રહી જાય નહીં તે માટે ગાંધીનગરમાં મંગળવારે વેક્સિન ટ્રાયલ રન યોજવામાં આવનાર છે. જે માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના થઈને 10 સેન્ટર પસંદ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર રસીકરણની ટ્રાયલ રન કરવામાં આવશે. ટ્રાયલ રન દરમિયાન માત્ર રસી જ ઉપલબ્ધ નહીં હોય તે સિવાયની તમામ પ્રક્રીયા સાચા રસીકરણ જેવી જ હશે. જે સેન્ટર પસંદ કરવામાં આવ્યા છે તેમાં સુઘડ પીએચસી, અડાલજ સીએચસી, આશ્કા હોસ્પિટલ, તારાપુર બસ સેન્ટર તથા શહેરી વિસ્તારમાં મેડિકલ કોલેજ, સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, ખાનગી હોસ્પિટલ, ઈન્દ્રોડા પ્રાથમિક શાળા તથા સેક્ટર-24 પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમના પાંચ સ્થળોને પ્રાઈમરી વેક્સિન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે. તેમાં પદ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, શેઠ હાઈસ્કૂલ, 80 ફૂટ રોડ અનશાળા નંબર 32નો સમાવેશ થાય છે. તમામ સ્થળોએ મેડિકલની ટીમ દ્વારા ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.
કોરોના રસીની ટ્રાયલ રનમાં શું કરાશે?
કોરોનાની રસી આપવાની ટ્રાયલ રન એટલે કે ટ્રાયલ રન સોમ અને મંગળવારે યોજાશે. ત્યારે આ ટ્રાયલ રનમાં શું કરાશે તેની વિગતો જોઈએ તો દરેક સ્થળોએ એકસરખી કામગીરી કરવામાં આવશે. રસી આપવાના સ્થળે મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, કોવિડના મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર્સને ઉપસ્થિત રખાશે. રાજકોટ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ એકત્ર કરેલા ડેટા મુજબ લોકોને બોલાવવામાં આવશે. પ્રથમ રૂમ વેઈટિંગ રૂમ હશે.
બીજો રૂમ વેક્સિનેશન રૂમ હશે અને ત્રીજો રૂમ ઓબ્ઝર્વેશન રૂમ હશે. પ્રથમ રૂમમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે તેના તમામ ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે. સાથોસાથ વ્યક્તિને એસએમએસ એટલે કે સેનિટાઈઝ, માસ્ક અને ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે. બીજા રૂમમાં વ્યક્તિ પહોંચે ત્યારે તેને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ કોવિડ વેક્સિન માટે બનાવાયેલા કો-વીન સોફ્ટવેરમાં તેની એન્ટ્રી કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સિન લેનાર વ્યક્તિને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ રૂમમાં પણ રસી લેનાર વ્યક્તિએ એસએમએસનું પાલન કરવાનું રહેશે..
સોલા સિવિલમાં 20ને બીજો ડોઝ, કોઈ આડઅસર નહીં
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની ટ્રાયલ વેક્સિનની કામગીરી ફાસ્ટ ટ્રેક પર મુકાઈ છે. જે વોલન્ટિયર્સને પહેલો ડોઝ અપાયો છે તેમને બીજો બુસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. રવિવાર સાંજ સુધીમાં કુલ 20 વોલન્ટિયર્સને કોરોનાનો બીજો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. હજુ સુધી કોઈને આડઅસર થઈ નથી. બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 750 વોલન્ટિયર્સને કોરોનાનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. હવે બાકી 250 વોલન્ટિયર્સને 31મી ડિસેમ્બર સુધીમાં રસી અપાશે. 26મી જાન્યુઆરી સુધીમાં બીજો બુસ્ટર ડોઝ આપવાની કામગારી પૂર્ણ કરાશે.

Previous articleબ્રિટનમાં લોકડાઉનના અંત પહેલાં દોઢ કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની સરકારની યોજના.
Next articleઆમીરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here