રાજ્યમાં કોરોના વાયરસના કારણે દરરોજ એક પછી એક ગામો, તાલુકા અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તો અનલોક કરીને છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતા 6 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે બપોરે 12 વાગ્યા બાદ તમામ નાના મોટા વેપારીઓ દ્વારા પોતાનાં ધંધા વેપાર દુકાનો બંધ કરી દેતા લોકડાઉનને સફળતા મળી હતી.
વાસદ ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને રોકવા માટે છ ગ્રામ પંચાયત દ્વારા આજથી 29મી સપ્ટેમ્બર સુધીનું લોકડાઉન જાહેર કરતા આજે બપોરે બાર વાગ્યા બાદ તમામ ગામોમાં તમામ દુકાનો અને લારી ગલ્લાઓ બંધ થઈ ગયા હતા. નાના મોટા તમામ વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળાઓ પણ લોકડાઉનમાં જોડાતા બજારો સુમસામ જોવા મળ્યા હતા,
દરેક ગામડામાં બપોરે 12 વાગ્યા બાદ દવાની દુકાનો સહીત તમામ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ બંધ જોવા મળી હતી અને ગામનાં નાગરીકોની સુરક્ષા માટે ગ્રામજનો દ્વારા લોકડાઉનને આવકારવામાં આવ્યું હતું. જેમાં વીરસદ, વાસદ, મોગરી, ધર્મજ, કરમસદ અને સારસામાં નગરજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા. ગામમાં લોકડાઉનમાં જોડાઈ સંપૂર્ણ સફળ બનાવ્યું છે.