વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5 ઓગષ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજનનો ભવ્યતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો પ્રારંભ થઈ ગયો છે. શ્રીરામ ભૂમિ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્વિટર એકાઉંટ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી કે, રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે.
ટ્રસ્ટે રામ મંદિર કેટલા સમયમાં બનીને તૈયાર થઈ જશે તેની પણ જાહેરાત કરી દીધી હતી. ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, CBRI રૂડકી અને IIT મદ્રાસ સાથે મળીને L&T ના એંજિનિયર ભૂમિનું પરિક્ષણનું કામ કરી રહ્યાં છે. તીર્થ ક્ષેત્રના જણાવ્યા પ્રમાણે મંદિરનું નિર્માણ ભારતની પ્રાચિન નિર્માણ પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી કરી તેને આવનારા અનેક વર્ષો સુધી ભૂકંપ કે અન્ય કુદરતી આફતોનો આસાનીથી સામનો કરી શકે. મંદિરમાં લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે તેમ પણ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ હતી. ટ્રસ્ટે કહ્યું કે, મંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે. 36-40 મહિના એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં કામ પુરુ થાય તેવી આશા છે. એન્જિનીયર્સ મંદિરની સાઈટ પર માટીની તપાસ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શનમાં લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે.
ટ્રસ્ટનું કહેવું છે મંદિરના બાંધકામમાં લાગતા પથ્થરોને જોડવા માટે તાંબાના પતરાંઓનો ઉપયોગ કરાશે. જેના માટે 18 ઈંચ લાંબા, 3 મિલીમીટર ઊંડી અને 30 મિલીમીટર પહોંળાઈના 10 હજાર પતરાંની જરૂર પડશે. તેવી જ રીતે મંદિર નિર્માણમાં દેશના પ્રાચીન અને પરંપરાગત ટેકનીકનો ઉપયોગ કરાશે. જેથી ભૂકંપ, તોફાન અને બીજી આપદાઓથી કોઈ નુકસાન નહીં થાય.
ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, ભક્તોને તાંબાના પતરાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. દાન આપનાર વ્યક્તિ આ પતરાં પર પોતાના પરિવાર, વિસ્તાર અથવા મંદિરોનું નામ મઢાવી શકે છે. આ પ્રકારના તાંબાના પતરાં માત્ર દેશની એકતાનું ઉદાહરણ જ નહીં, પણ મંદિર નિર્માણમાં આખા દેશના યોગદાનનો પુરાવો પણ આપશે.