Home Gujarat મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે – પાણી પુરવઠા...

મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

78
0

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ- આત્મનિર્ભર ભારત અન્વયે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે. આ યોજના અન્વયે મહિલાઓને જોઈન્ટ લાયેબિલિટી અર્નિંગ એન્ડ સેવિગ જુથમાં જોડીને સરકારી, ખાનગી અને સહકારી બેંકો તથા ધિરાણ સંસ્થાઓ મારફત રૂપિયા એક લાખનું ધિરાણ આપવામાં આવશે.

આ ધીરાણના માધ્યમથી મહિલાઓને સ્વરોજગારી અને આજીવિકા પૂરી પાડવામાં આવશે. વધુમાં તેમણે રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે, દિકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વહાલી દીકરી યોજના અમલી બનાવી છે તેમજ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે વિધવા બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ અભયમ મહિલા યોજના પણ રાજય સરકારે અમલી બનાવી છે. ઉપરાંત મહિલા સખી વન સ્ટોપ સેન્ટર થકી મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ તકે મંત્રીશ્રીએ લોકડાઉનના સમયમાં માસ્ક બનાવનાર, સેનેટાઈઝર બનાવનાર અને જરૂરીયાતમંદ લોકોને ભોજન આપનાર સ્વસહાય જુથોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા દ્વારા મહિલા ઉત્કર્ષ યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જોઈન્ટ લાયેબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથની બહેનોને લોન મંજુરીપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નસીમ મોદન, પ્રાંત અધિકારીશ્રી લીંબડી, ડિસ્ટ્રિક્ટ લાઈવલીહુડ મેનેજરશ્રી હિરલ દવે અગ્રણી સર્વશ્રી દશરથસિંહ રાણા, દિલીપસિંહ, હરપાલસિંહ રાણા, દેવજીભાઈ, કૃષ્ણસિંહ રાણા યુસુફભાઈ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here